-
શહેરમાં સ્વચ્છતા અભિયાન છતાં ગંદકીનું સામ્રાજ્ય
-
વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકી
-
કચરો તેમજ ગંદકીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ
-
સ્થાનિક નગરસેવકે પાલિકામાં લેખિત અરજી પણ કરી
-
તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા માંગ કરાય
ભરૂચ શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં, વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકીની સમસ્યા યથાવત્ છે. આ અંગે સ્થાનિક નગરસેવકે પાલિકામાં લેખિત અરજી કરી તાત્કાલિક સફાઈ કામગીરી અને વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવા માંગ કરી છે.
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં કચરો અને ગંદકીના સામ્રાજ્ય સામે લોકો ત્રાહિમામાં પોકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિક નગરસેવક ઝુબેર પટેલે આક્ષેપ કર્યો હતો કે, ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવાના વાહનો અનિયમિત રીતે આવે છે, જેના કારણે રહેવાસીઓને મુશ્કેલી પડે છે. અહેમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસેની વરસાદી કાંસોમાં પણ કચરાના ઢગલા જમા થયા છે, જેની પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી નથી. એટલું જ નહીં, ચોમાસાની ઋતુ નજીક છે. જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં થાય તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે. વધુમાં તેઓએ આગામી 2 દિવસમાં સફાઈ કામગીરી શરૂ નહીં થાય તો કચરો લઈને પાલિકા કચેરીએ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાથે, તેમણે સ્થાનિક રહીશોને કચરો ડોર-ટુ-ડોરની ગાડીમાં જ નાખવા અને જાહેર માર્ગો પર નહીં નાખવા અપીલ કરી હતી.
તો બીજી તરફ, ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને સફાઈ કામગીરી કરવામાં આવે છે. જોકે, કેટલાક લોકો જાહેરમાં કચરો નાખી જતા હોવાથી સફાઈ કર્યા પછી પણ ફરીથી કચરાના ઢગલા થઈ જાય છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં કાંસ સફાઈની કામગીરી ચાલુ છે, અને જે સ્થળોએ બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેઓએ લોકોને જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ પણ કરી હતી.
