શહેરમાં 3 દિવસીય ઐતિહાસિક ભાતીગળ મેળાનો પ્રારંભ
સ્વચ્છતા જાળવવી વેપારી અને નાગરિકોની નૈતિક ફરજ
સ્ટોલધારકો પાસેથી પાલિકા દ્વારા ચાર્જ વસૂલવામાં આવ્યો
સ્વચ્છતા અને સફાઈ ચાર્જ વસૂલાતા વેપારીઓમાં રોષ
પાલિકા કર્મીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું
નિયમ અનુસાર જ ચાર્જ વસૂલ કરાયો : મુખ્ય અધિકારી
ભરૂચ શહેરમાં 3 દિવસીય ઐતિહાસિક ભાતીગળ મેળામાં ખાણીપીણીના સ્ટોલ ધારકો પાસેથી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને સફાઈ ચાર્જ વસૂલવામાં આવતા વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો.
ભરૂચમાં ઐતિહાસિક મેઘરાજા અને છડી નોમના 3 દિવસીય ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે ભાતીગળ મેળા દરમિયાન શહેરના પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીના સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી એ દરેક વેપારી અને નાગરિકની નૈતિક ફરજ છે. જોકે, પાલિકા દ્વારા સ્વચ્છતા અને સફાઈ પેટે નિયમ વિરુદ્ધ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હોવાનો વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સોનેરી મહેલ વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. મેળામાં લાખોની જનમેદની વચ્ચે આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
તો બીજી તરફ, ભરૂચ નગરપલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યુ હતું કે, મેળામાં ખાણીપીણીના સ્ટોલ ધારકો પાસેથી પાલિકા દ્વારા નિયમ અનુસાર જ સ્વચ્છતા અને સફાઈ પેટે ચાર્જ વસૂલવામાં આવે છે. અને તેઓએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘરાજાના મેળા દરમિયાન સ્ટોલ ધારકો અને વેપારીઓએ કેટલીક બાબતોનું પાલન કરવું અનિવાર્ય છે. જેમાં દુકાન કે, હાટડી પાસે ફરજિયાતપણે કચરાપેટી રાખવી, ખાણી-પીણીના વેપારીઓએ સૂકો અને ભીનો કચરો અલગ રાખવા સહિત સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવા પાલિકા તંત્રએ અપીલ કરી છે.
