/connect-gujarat/media/post_banners/57ee0afe32db5f37b6eac4f6619f769e8433d78c17e6feaa6763ecb0745d0db3.webp)
ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો.જેને ભરૂચ પાલિકાના લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 આજે વહેલી સવારના એક ટ્રક ચાલક MH-48-CB-3441 માં માલ સામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો.
તે ભરૂચની પટેલ વાડીની સામે આવેલા બ્રિજ પરથી પહોચતા પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટ્રકનો ચાલક તેની કેબીનમાં જ ફસાઈ ગયો હતો.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ કરવામાં આવતાં તેઓ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતાં.
ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે તેને માથામાં અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.