Connect Gujarat
ભરૂચ

ગાઢ ધુમ્મસના કારણે રાજ્યમાં અકસ્માતો બનાવ, ભરૂચ અને ખેડામાં એસ.ટી. બસ પલટી...

ભરૂચના જંબુસર નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત, ખેડાના વરસોલા ગામે બસ પલટી જતાં મુસાફરોને ઇજા

X

વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાજ્યમાં અકસ્માતોના અલગ અલગ બનાવો બન્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલ લીમજ રોડ અને ખેડા જિલ્લાના વરસોલા નજીક ધુમ્મસના કારણે એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો.

ભરૂચ જીલ્લામાં આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જંબુસર ડેપોમાંથી એસ.ટી. બસ ઝામડી ગામ જવા રવાના થઈ હતી, ત્યારે લીમજ રોડ પર રેલ્વે ફાટક નજીક ધુમ્મસના કારણે આગળનો માર્ગ નહીં દેખાતા બસ રોડની સાઇડ પર કાંસના ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે, ડ્રાઈવરે સમય સૂચકતા વાપરાતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

તો બીજી તરફ, ખેડા જિલ્લાના નડીયાદથી અમદાવાદ જતી એસ.ટી. બસને પણ ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત નડ્યો હતો. ખાત્રજ ચોકડી જતા વરસોલા ગામ નજીક એસ.ટી. બસ અચાનક પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં ડ્રાઈવર અને કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, અકસ્માતના કારણે કેટલાક મુસાફરોને સામાન્ય ઇજા પહોચતા 108 દ્વારા ઘટના સ્થળે સારવાર આપવામાં આવી હતી.

Next Story