અંકલેશ્વર : છેલ્લા 24 કલાકમાં આગની 2 ઘટના, અંસાર માર્કેટ અને એરોન પ્લાઝાના રેસ્ટોરન્ટમાં આગ લાગતાં દોડધામ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.

New Update
અંકલેશ્વર : છેલ્લા 24 કલાકમાં આગની 2 ઘટના, અંસાર માર્કેટ અને એરોન પ્લાઝાના રેસ્ટોરન્ટમાં આગ લાગતાં દોડધામ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે. જેમાં અંસાર માર્કેટ અને એરોન પ્લાઝામાં આવેલ એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જોકે, આ બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌકોઈએ રાહત અનુભવી હતી.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટમાંથી દિન પ્રતિદિન આગ લાગવાની સામે આવી રહી છે, ત્યારે ગતરોજ સાંજે અંસાર માર્કેટના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડ્યા હતા. બનાવ અંગે સ્થાનિકોએ અંકલેશ્વરના ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, આગ વધુ પ્રસરતા પાનોલી, ભરૂચ સહીત અન્ય 5થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર આવી પહોંચી આગને કાબુમાં લેવા કામે લાગ્યા હતા, જ્યાં ફાયર ફાયટરો સતત 4 કલાકની જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

તો બીજી તરફ, અંસાર માર્કેટમાં લાગેલી આગની ઘટનાના 24 કલાકમાં જ અંકલેશ્વરમાંથી આગની બીજી ઘટના સામે આવી હતી. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ એરોન પ્લાઝામાં કુલચા લેન્ડ રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે સ્થાનિકોએ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, કૂલચા લેન્ડ હોટલમાં એક જ મહિનામાં બીજીવાર આગ લાગવાની ઘટના બની હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest Stories