/connect-gujarat/media/post_banners/5aee6c1d47755c28820e3a11a9644d4e509f66c71566767601371998eecb766e.webp)
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ એકતાનગર સોસાયટીમાં રહેતા કમલેશ પટેલ અનોખી સેવા આપે છે. માત્ર 24 વર્ષની ઉમરમાં તેઓએ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ સાપ પકડી પાડ્યા છે. એટલું જ નહિ, દયા ફાઉન્ડેશનમાં તેઓ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ જોડાયા હતા.
અંકલેશ્વરની દયા ફાઉન્ડેશન એક સેવાભાવી સંસ્થા છે કે, જે ઝેરી બિનઝેરી સાપ, અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કરે છે. જીવોને કોઈ નુકશાન ન પહોંચાડે તે માટે આ સંસ્થા કાર્યરત છે. શહેર કે, ગામડાઓમાં સ્થાનિકોના રહેણાંક વિસ્તારમાં સરીસૃપ ઘૂસી જતાં લોકો તરત આ સંસ્થાનો સંપર્ક કરે છે, જ્યારે ગભરાઈ જઈ વન્યજીવને નુકશાન ન પહોંચાડે તે માટે દયા ફાઉન્ડેશનમાં 4 સદસ્યોની ટીમ સેવા આપે છે. આ ટીમ ભરૂચ શહેર, અંકલેશ્વર, હાંસોટ, દહેજના ગામડાઓમાં સેવા આપે છે. દયા ફાઉન્ડેશનના કમલેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ દિવસ રાત સેવા આપે છે.
તેમજ તેઓના ઉપર એક દિવસમાં 7થી 8 કોલ આવે છે. તો ચોમાસાના સમયે સાપ પકડવા માટે વધારે કોલ્સ આવે છે. તેઓએ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ સાપને પકડી પાડ્યા છે. ઝેરી સાપ પકડ્યા બાદ તેઓ વન વિભાગની કચેરીએ સોંપી દે છે. તો બિનઝેરી સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દે છે. જેથી તે કોઈને નુકશાન ન કરે. તો કમલેશ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, એવી પરિસ્થિતિ પણ આવી છે કે, જ્યારે તેઓને જીવનો પણ ખતરો હોય છે, પણ ડર રાખ્યા વગર પોતાની સેવા આપી રહ્યા છે. તેઓની પ્રાણીઓ પ્રત્યેની સેવાથી અંકલેશ્વર શહેર અને તાલુકાના લોકો સરીસૃપ દેખાય તો તરત તેઓની મદદ લેતા હોય છે. સરીસૃપ દેખાય તો તેને હાનિ પહોંચાડવા કરતા પહેલા જીવદયા પ્રેમી કમલેશ પટેલના મોબાઈલ નંબર 9824601106 ઉપર સંપર્ક કરી જીવો પ્રત્યે આપ પણ દયા બતાવી શકો છો.