ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આવેલી આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી 30 બાળકોના નાસ્તા અને જમવાના વાસણો સહિત સાધનોની ચોરી કરી તોડફોડ મચાવી હતી.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આંગવાડી આવેલી છે. જેમાં 30 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે. ગામના જ વકીલ ફળિયામાં રહેતા મનીષા પટેલ 10 વર્ષથી આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત તા. 22 મેના રોજ બપોરે બાળકોને ભણાવી નાસ્તો જમાડી આંગણવાડીને તાળું મારી ગયા હતા, ત્યારે રાત્રે નજીકમાં રહેતા કલ્પનાબેનનો ફોન આવ્યો હતો કે, આંગણવાડીનો દરવાજો ખુલ્લો છે, અને તાળું તૂટેલું છે. બનાવના પગલે મહિલા કાર્યકર તુરંત આંગણવાડી પર પોહચ્યા હતા, જ્યાં અંદર જઈ જોતા તમામ સામાન વેરવિખેર હતો. જેમાં વજન કાંટો અને ખુરશી તૂટેલી હાલતમાં હતી. આંગણવાડી કેન્દ્રમાંથી તસ્કરોએ 2 એલ્યુમિનિયમના ડબ્બા, 3 તપેલાં, 1 ડોલ, ડિશ, કડાઈ, ઢાંકણ, 7 રજીસ્ટર અને તેલનો ડબ્બો ચોરી કરી ગયા હતા, ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે રૂ. 3 હજારથી વધુના માલમત્તાની ચોરી અને તોડફોડ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.