Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાણા સમાજ દ્વારા અનોખી રીતે કરાય છે માતાજીની આરાધના, જુઓ 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. નવલા નોરતાની રઢિયાળી રાતોમાં ઉભા ગરબા વડે સમાજના વડીલો અને યુવાનો દ્વારા અનોખી રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે.

આધુનિક ગરબાની ઝાકમઝોર વચ્ચે પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે. વ્યવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે. જે પુનઃ કોરોના મહામારીના કારણે જીવંત થયું છે. આ વચ્ચે દેશ અને રાજ્યમાં એક માત્ર એવું સ્થળ છે, જ્યાં માતાજીની આરાધના ઉભા ગરબા વડે કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે. ગરબા મંડપ અને તેમાં માતાજીનું સ્થાનક બનાવી રાણા સમાજ દ્વારા માઁ અંબાની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. બાજટ પર વાંસની કામળીથી માંડવી કરી 3 ગોખ બનાવવામાં આવે છે. કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે. નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિન્હનું સ્થાપન સાથે 3 માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે જ તેની આરતી કરી સમાજના યુવાનો અને વડીલો માથા પર મૂકી તેને લઇ ગરબા રમે છે. મંડપમાં બનાવેલ માતાજીના સ્થાનક પર બાજટ પર તેને બેસાડી પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે. રાણા સમાજના લોકો ગરબાની રમઝટ પોતાના મુખેથી ગાઇને બોલાવે છે. અસલ મંજીરા ઢોલક, તબલા અને અન્ય સંગીત વાજિંત્ર વગાડી ગરબાની શરૂઆત થાય છે, ત્યારે ગરબા પુરા ન થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી. રાત્રી ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલાવાડ ખાતે સમાજના મોભીને ત્યાં મુકવામાં આવે છે. માંડવી લઇ આવી અને તેને મુકી સતત 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. જે બાદ અંતિમ દિવસે માંડવીને માતાજી ગરબા ઘુમતા ધુમતા શહેરના દેસાઈ ફળિયા સ્થિત મંદિર ખાતે લઈ જઈને વિધિ સંપન્ન કરવામાં આવે છે. આ રીતે રાણા સમાજે પરંપરાગત વારસો આજના આધુનિક યુગમાં પણ જાણવી રાખ્યો છે.

Next Story