કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નર્મદા પરિક્રમાના અંતિમ પડાવ એવા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓનો જમાવડો થતાં અરાજકતાનો માહોલ જોવા મળી રહયો છે. એક અંદાજ મુજબ હાલ 5 હજાર જેટલા પરિક્રમાવાસીઓ વમલેશ્વરથી બોટમાં બેસી સામે છેડે મીઠી તલાઇ જવા માટે બોટનો ઇન્તજાર કરી રહયાં છે. જયાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય ત્યાં અવ્યવસ્થા થતી જ હોય છે.
વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ માટે જગ્યા અને ભોજનની અછત વર્તાય રહી છે. નદી કિનારાનો વિસ્તાર હોવાથી અહીં ઠંડીનું પ્રમાણ વધારે છે તેવામાં પરિક્રમાવાસીઓ ઠંડીમાં ઠુઠવાય રહયાં છે. વહીવટીતંત્રએ બે દિવસ પહેલાં સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી પણ હજી સુધી કોઇ વ્યવસ્થા થઇ ન હોવાનું જાણવા મળી રહયું છે. આ બધાની વચ્ચે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં વમલેશ્વર ગામના મંદિરની છત પર કેટલાક પરિક્રમાવાસીઓ ચઢી ગયેલાં દેખાય છે અને ગામના એક આગેવાન છત પર ચઢી તેમને સોટી મારી નીચે ઉતારી રહયાં છે.