Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગડખોલ બ્રિજના ટ્રાફિક સર્કલ પર અકસ્માતને નોતરું આપતા વાહનચાલકો, જોઈલો આ દ્રશ્યો..!

બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ બ્રિજ નિર્માણ પામ્યો છે, ત્યારથી જાણે વિવાદમાં રહ્યો હોય તેમ એક બાદ એક બનતી અકસ્માતની ઘટનાઓના કારણે ચર્ચામાં રહ્યો છે. આ બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહી અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કેટલાક લોકોને તો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

તો બીજી તરફ… આપ જોઈ શકો છો કે, ગડખોલ બ્રીજ ઉપર બરાબર વચ્ચે તંત્ર દ્વારા નાનકડા સર્કલ સાથેનું ટ્રાફિક પોલીસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. શોભાના ગાંઠિયા સમાન આ સર્કલનો કોઈ મતલબ ન હોય તેવા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. તમે જોયું હશે કે, અહીથી પસાર થતાં વાહનચાલકો રોંગ સાઈડથી આ સર્કલને પસાર કરી રહ્યા છે. જે અકસ્માતને જાણે નોતરું આપતા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તરફથી આવતા વાહનચાલકો અંકલેશ્વર શહેર તરફ જવા માટે તેમજ અંકલેશ્વર શહેરથી GIDC તરફ આવતા કેટલાક વાહનચાલકો ટ્રાફિક નિયમનું પાલન કરતાં નથી. જેથી અહી ટ્રાફિક નિયમનું પાલન નહીં થતાં મોટા અકસ્માતો થવાનો ભય રહ્યો છે. એક તરફ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસો અગાઉ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હોય, ત્યારે બીજી તરફ ગડખોલ પાટિયા બ્રીજ જેવા એક્સિડન્ટ ઝોન ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે હાલ અત્યંત જરૂરી બન્યું છે.

Next Story