અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૭૫ માઈક્રોન કરતા ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સરકાર દ્વારા ૭૫ માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને પગલે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.અંકલેશ્વર નગર પાલિકા સેનેટરી ઇન્સ્પેકટર રઘુવીરસિંહ મહીડા અને તેમની ટીમોએ ત્રણ રસ્તા શાક માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને ૭૫ માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાના દરોડાને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહયો છે અને વેપારીઓએ પ્લાસ્ટિકનો જથ્થો પહોંચાડતા મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગર પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા અત્યાર સુધી શહેરમાંથી ૧૦૫ કિલોથી વધુ પ્લાસ્ટિકની થેલિનો જથ્થો જપ્ત કરી ૩૦ હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે