નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી અનેક ખેડૂતોને નુકશાન
નુકશાન અન્વયે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી
હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવા ખેડૂતોની માંગ
રાજ્યમાં તા. 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂર આવતા ખેતી, બાગાયતી પાકોમાં થયેલા નુકશાન અન્વયે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. તો બીજી તરફ, ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
તાજેતરમાં તા. 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદના કારણે આ 3 જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકશાન તેમજ ખેતરોમાં પાણી ભરાય જવાના પરિણામે નુકશાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે, ત્યારરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને થયેલા નુકશાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકશાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે, તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રી રાઘવજી પટેલના પરામર્શમાં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે, તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે તેમ જણાવાયું છે.
જોકે, આ સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તા. 31 ઓક્ટોબર 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે. તો બીજી તરફ, ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ સામે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
ખેડૂતોએ જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારે જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, તેનાથી ખેડૂતોને કોઈ મોટી રાહત મળવાની નથી. જે ખેડૂતોના ખેતરમાં 33 ટકાથી વધુ નુકશાન થયું હશે તેવા ખેડૂતોને જ આ સહાય મળવાપાત્ર રહેશે. જોકે, સરકારે હેક્ટર દીઠ રૂ. 25 હજારની સહાય મર્યાદા જાહેર કરી છે, તેનાથી ખેડૂત બેઠો પણ નહીં થાય તેવો ખેડૂતોમાં વસવસો છે, ત્યારે સરકાર હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરે તેમજ વિનામુલ્યે બિયારણનું વિતરણ કરવામાં આવે તેવી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સહિત જૂના બોરભાઠા ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે.