Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નિપજતા મચ્યો હોબાળો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રેગનન્સી રાખવા માટેના ટેસ્ટ દરમિયાન હોસ્પિટલ તરફથી આપેલા એક ઇન્જેક્શન બાદ મહિલાનું મોત થયુ છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની એક મહિલાને ઘણા સમયથી પ્રેગનન્સી રહેતી ન હતી. જેથી મહિલાના પરિવારજનોએ અંકલેશ્વર શહેરની સરગમ ગાયનેક હોસ્પિટલમાં મહિલાની સારવાર શરૂ કરાવી હતી. આ સારવાર અંતર્ગત એક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલના ડો. પરીન ખોજા દ્વારા મહિલાને હોસ્પિટલ બોલાવવામાં આવી હતી. મહિલાને હોસ્પિટલમાં બોલાવ્યા બાદ ટેસ્ટ માટે મહિલાને એક નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતુ. જે પછી મહિલાને ઇનેજ્કશનનું રિએક્શન આવતા હાર્ટ ફેઇલ થવાની શરૂઆત થઇ હતી. જેથી આ મહિલાને તાત્કાલિક સારવાર માટે ICUમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. જોકે, દોઢ દિવસ સુધી ICUમાં સારવાર હેઠળ રાખ્યા બાદ અંતે મહિલાનું મોત થયું હતું. જેથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહિલાના પતિ નેતાજી વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલની બેદરકારીના કારણે તેની પત્નીનું મોત નીપજ્યુ છે. હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન મુકવાની ભુલના કારણે મોત થયુ હોવાનો આક્ષેપ મૃતક મહિલાના પતિએ કર્યો છે.

તો બીજી તરફ, મૃતક મહિલાના પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલના તબીબ ડો. નિસાર અલી ખોજાએ જણાવ્યુ હતુ કે, આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. હોસ્પિટલ તરફથી મહિલાને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે, મહિલાને અમે બચાવી શક્યા નથી. મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારે તબીબો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ પણ કરી હતી. હોબાળા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો, અને ત્યારબાદ મૃતદેહને પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

Next Story