Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નોટિફાઇડ વિસ્તારમાં કોમન પ્લોટની કેટલીક જમીન અન્ય સંસ્થાને ફાળવી દેવાતા આંદોલનના મંડાણ !

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પારસમણી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક ધાર્મિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે.

X

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પારસમણી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક ધાર્મિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર કોઈ પણ જાતના નીતિ નિયમ વગર જીઆઈડીસીએ કોમન પ્લોટની જગ્યા હેતુફેર કરી ખાનગી સંસ્થાને ફાળવી દીધી છે જે કાયદા વિરુદ્ધ છે

એશિયાની સૌથી મોટી ઓદ્યોગીક વસાહત અંકલેશ્વરમાં નાના અને અનેક મોટા ઉદ્યોગો સાથે વિશાળ રહેણાક વિસ્તાર પણ આવેલો છે.ઉદ્યોગકારો અને ઉદ્યોગોમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓની રહેઠાણ માટેની વ્યવસ્થા,બાળકો માટે શાળા,કોલેજ,બાગ બગીચા,ફાયર સ્ટેશન,લાયબ્રેરી આમ તમામ માળખાકીય સુવિધા પૂરી પાડવાની જવાબદારી જીઆઈડીસીની હોય છે. અંકલેશ્વર કલસ્ટરમાં ૪ હજાર કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આવેલા છે આ ઉદ્યોગોમાં કામ કરતા વધુમાં વધુ લોકો અંકલેશ્વરમાં જ રહે છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રોડ-રસ્તા-વીજળી-પાણીની જવાબદારી પ્રથમ જીઆઈડીસીની અને બાદમાં નોટીફાઇડ એરિયા ઓથોરીટીની હોય છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ રહેણાક વિસ્તારમાં જોગવાઈ પ્રમાણે જન સુવિધા માટે કોમન પ્લોટની ફાળવણી પણ કરવામાં આવે છે અને આ કોમન પ્લોટ જન સુવિધા સિવાય અન્ય કોઈ હેતુ માટે આપી શકાતો નથી પરંતુ અંકલેશ્વરની પારસમણી ચોકડી અને અન્ય કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૨ વર્ષમાં અનેક જગ્યાના કોમન પ્લોટ ઉદ્યોગોને વિવિધ હેતુ માટે ફાળવી દેવામાં આવ્યા છે ત્યારે હાલમાં પારસમણિ ચોકડી નજીક આવેલ કોમન પ્લોટ નં ૭નો એક તૃતિયાંશ ભાગ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવ્યો છે. આ કોમન પ્લોટની આસપાસ ૧૫ થી ૨૦ જેટલી સોસાયટીઓ આવેલી છે. સ્થાનિકોનો મત એવો છે કે આટ આટલી સોસાયટીઓ વચ્ચે આવેલા અતિ ઉપયોગી કોમન પ્લોટ પર જેએન સુવિધા માટેના પ્રકલ્પો ઉભા થવા જોઈએ જો કે આમ છતા જીઆઈડીસીએ નિયમો નેવે મૂકીને કોમન પ્લોટની જગ્યા અન્ય સંસ્થાને ફાળવી દીધી છે અને સ્થાનિકો સાથે અન્યાય કર્યો છે. આ બાબતે મુખ્યમંત્રીથી માંડીને વિવિધ સરકારી તંત્રમાં લેખિત આવેદનપત્રો પાઠવ્યા હતા અને કોમન પ્લોટ નંબર ૭ ને ધાર્મિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો તેમજ તેનુ એલોટમેન્ટ રદ કરવાની માંગ કરી હતી.

આ ઉપરાંત સ્થાનિકો દ્વારા અન્ય પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક જળાશય ખોદવામાં આવ્યું હતું અને જ્યાં પ્રતિવર્ષ ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ કુંડ ઉભા કરવામાં આવતા હતા જો કે જીઆઈડીસી દ્વારા આ જળાશય માટીથી પૂરી દઈ તેના પર પણ પ્લોટિંગ કરી દેવામાં આવ્યું છે. એક તરફ અંકલેશ્વરમાં ભૂગર્ભ જળ ૬૦૦ ફૂટે પહોંચી ગયું છે ત્યારે જળાશયો વધારવાની જગ્યાએ બીજી તરફ તંત્ર જળાશય પૂરી રહયું છે ત્યારે આ બાબત ઘાતક નીવડી શકે છે

કોમન પ્લોટની ગેરકાયદેસર રીતે ફલાવણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે. કોમન પ્લોટ નજીક જ મંડપ બાંધી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આયા છે અને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. ઉદ્યોગોનું સંચાલન કરતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ધ્યાને આ વિવાદ આવતા તેઓ દ્વારા ઓદ્યોગીક વિકાસ નિગમમાં રજૂઆત કરવાં આવી છે અને સ્થાનિકોના પ્રશ્નોનાં નિરાકરણની માંગ કરવામાં આવી છે અને નારાજગી પણ દર્શાવવામાં આવી છે

સ્થાનિકો અને તંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે અંકલેશ્વર જીઆઈડીસીના રીજયોનલ મેનેજર ધવલ વસાવાએ જણાવ્યુ હતું કે આ બાબત તેઓના ધ્યાન પર આવી છે જો કે કોમન પ્લોટની ફાળવણી શિક્ષણ માટે કરવામાં આવી છે જે તે સંસ્થાએ જમીનની માંગણી કરી હતી જો કે યુ.જી.સી.ની ગાઈડ લાઇન અનુસાર એ જગ્યા કોલેજ માટે ઓછી હતી આથી થોડી જગ્યા કોમન પ્લોટ માટે ફાળવી અન્ય સ્થળે કોમન પ્લોટ ફાળવવામાં આવ્યો છે. જો કે જળાશય પુરી દેવાના મામલામાં આવી કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું તેઓએ જણાવ્યુ હતું

Next Story