Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીથી પીડાઇ રહયો છે પાર્થ, ઇન્જેકશન માટે 16 કરોડ રૂા.ની છે જરૂર

પાર્થને ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.પાર્થ હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે

X

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા હાલ સંઘર્ષ કરી રહ્યો છે. પાર્થને પણ ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા ₹16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો છે.

આ છે ૩ માસનો માસુમ પાર્થ પવાર.... પાર્થ હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે જેમાંથી તેને ઉગારવા માટે હાલ તેના માતા પિતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. રોજીરોટી કમાવવા માટે મૂળ ધુલિયાના જુગલ પવાર અંકલેશ્વર ખાતે આવીને વસ્યા. તેઓ મુંબઈની એક કંપનીમાં ફરજ બજાવે છે તેઓના ભાઈ અને પિતા અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. આ હસતા ખેલતા પરિવારમાં ખુશીઓની શરૂઆત થઇ હતી અને લગ્ન બાદ તેઓના ઘરે પારણું બંધાયું અને તેઓના ઘરમાં કુળદીપકનું અવતરણ થયું. પરિવારે આ બાળકનું નામ રાખ્યું પાર્થ. પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે પાર્થ માટે જીવનનું અસ્તિત્વ ટકાવવું મહાભારતના યુદ્ધ સમાન બની જશે. પાર્થ એક મહિનાનો થયો ત્યારે તેની તબિયત સતત બગડવા લાગી. તેઓના માતા પિતાએ તમામ રીપોર્ટ કરાવ્યા પરંતુ બધા જ રીપોર્ટ નોર્મલ આવવા છતાં તેની બીમારી દુર થતી ન હતી. જેથી તેઓએ સુરતના ડો. રીતેશ શાહનો સંપર્ક કર્યો અને ચકાસણી કરાવતા પાર્થને ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું માલુમ પડ્યું પાર્થને ત્યાંથી સારવાર હેતુ હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પાર્થની હાલ ઉમર માત્ર ૩ મહિના છે. અને તે આ ગંભીર બીમારીમાં સપડાયો છે. તેનો જીવ બચાવવા માટે પરિવારજનોને ૧૬ કરોડના ઇન્જેકશનની જરૂર છે અને તેઓના પરિવારજનો તેની સહાય માટે ગુહાર લગાવી રહ્યા છે. આ માસુમની વ્હારે કનેક્ટ ગુજરાત આવ્યું છે અને કનેક્ટ ગુજરાત બાળકને બચાવવા માટે મુહિમ ચલાવી રહ્યું છે. કનેક્ટ ગુજરાત તરફથી પણ આ બાળકને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન સહાય કરવામાં આવી છે. કનેક્ટ ગુજરાતના કર્મચારી પલક વાઘેલાના જન્મ દિવસ નિમિત્તે બાળકને સહાય પેટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને કનેક્ટ ગુજરાતના દરેક કર્મચારી બાળકની સારવાર માટે એક દિવસનો પગાર આપશે એવો સંકલ્પ કરાયો હતો. અમો બાળકની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે. આ માસુમ આ રંગબેરંગી દુનિયામાં શ્વાસ લે અને તેના પરિવારનું જીવન ખુશીઓથી ભરી દે તે માટે આપ સહુને બને તેટલી મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

એસએમએ બિમારથી પીડાતાં ધૈર્યરાજસિંહને 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળતાં તેને નવજીવન મળ્યું છે જયારે 16 કરોડ રૂપિયાની રકમ એકત્ર થાય તે પહેલાં ગીરસોમનાથના વિવાનનો જીવ ચાલ્યો ગયો છે. હવે રાજયમાં આ ગંભીર બિમારીનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. પવાર પરિવારમાં પારાવાર ખુશી રહે તે માટે કનેકટ ગુજરાત પરિવાર તરફથી પહેલ કરવામાં આવી છે. દેશ તથા વિશ્વભરના દાતાઓને કનેકટ ગુજરાત અપીલ કરે છે.

Next Story