ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ખાતે નહેરમાં ડૂબી જતાં 2 યુવક લાપતા બન્યા હતા, ત્યારે બનાવના પગલે સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ફાઇટરોની ટીમે બન્ને યુવકોની શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીને અડીને આવેલ સંજાલી ગામ ખાતે મહારાજા નગર નજીક નહેરમાં 2 યુવકો ડૂબી ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયાએ શોધખોળ શરૂ કરી હતી. મહારાજા નગરથી જીઆઇડીસી તરફ GEB સબ સ્ટેશન નજીક નહેર પાસે જ્યાં લોકો નાહવા તેમજ કપડા ધોવા માટે જાય છે, ત્યાં રવિવારના બપોરે નહેરમાં નાહવા પડેલા 2 યુવાનો ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. જે અંગે સ્થાનિકોએ પોલીસ વિભાગ અને પાનોલી ફાયર વિભાગ ટીમને જાણ કરતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પાણીમાં ડૂબેલા બન્ને લોકોની કલાકો સુધી શોધખોળ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ બન્ને યુવકો કાકા અને ભત્રીજા હોવાનું સામે આવ્યું છે.