અંકલેશ્વરના વોર્ડ નં. 9માં 7 માર્ગના રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત, સ્થાનિક મહિલાએ નોંધાવ્યો વિરોધ..!

સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

New Update
અંકલેશ્વરના વોર્ડ નં. 9માં 7 માર્ગના રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત, સ્થાનિક મહિલાએ નોંધાવ્યો વિરોધ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 9 સહિત 7 જેટલા માર્ગો ચોમાસાની સીઝનમાં બિસ્માર બનતા નગરપાલિકા દ્વારા રૂ. 45 લાખના ખર્ચે રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેની સામે સ્થાનીક મહિલાએ વિરોધ નોંધાવ્યો હતો.

સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે, દર ચોમાસાની સીઝનમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા માર્ગો ધોવાઇ જાય છે. સોનાની થાળીમાં લોઢાના મેખ સમાન માર્ગોની હાલત એટલી બિસ્માર બની ગઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં કેટલાક માર્ગો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયા હતા. જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂ. 45 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 9 સહિત 7 માર્ગોના રિકાર્પેટિંગના કામનું ગંગા જમના સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, પાલિકા દ્વારા માર્ગના રિકાર્પેટિંગની કામગીરીનો સ્થાનિક મહિલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉધડો લીધો હતો. સ્થાનિક મહિલાએ જણાવ્યુ હતું કે, સોસાયટીના અન્ય માર્ગને ખોદી અને લેવલ કરીને નવા બનાવવામાં આવ્યા છે, જ્યારે અમારી સ્ટ્રીટમાં સીધેસીધો ડામર પાથરી પાલિકા દ્વારા માર્ગનું કામ મંજૂર થયું છે. જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો અમારા મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા ટાણે અમારે પાણી ભરાવા જેવી તકલીફોનો સામનો કરવો પડે તેમ છે.

Latest Stories