ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગટરમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઇ જવાના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા 5 કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. પાંચેય કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો.મૃતક કામદારોમાં મૂળ દાહોદના અને હાલ દહેજ પંચાયતના રૂમમાં રહેતા 30 વર્ષીય ગલસિંગ મુનિયા,પરેશ કટારા અને 24 વર્ષીય અનિલ પરમારનો સમાવેશ થાય છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે દહેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો