Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નવા કોબલા ગામના બ્રેઇન ડેડ યુવાનના અંગદાન થકી 3 લોકોને મળશે નવજીવન...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના 3 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં એક હૃદય અને 2 કીડની મળી અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા કોબલા ગામે રહેતા 23 વર્ષીય કિરણ રાઠોડ નામના યુવાનનો ગત તા. 31 મેના રોજ અકસ્માત થયો હતો. કિરણ રાઠોડ બાઇક લઈને દૂધ ભરવા માટે કોબલા ગામે જતો હતો, ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સૌપ્રથમ 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબ અધિક્ષકે કિરણ રાઠોડને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ તબીબે આમોદના નાહીયેર ગુરુકુળના સંત ડી.કે.સ્વામી તેમજ ભરૂચના મુક્તાનંદસ્વામીનો સંપર્ક કરી યુવાનના અંગદાન કરવા અંગેનો પ્રસ્તાવ કર્યો હતો. જેથી સંતોએ મૃતક કિરણ રાઠોડના પરિવારજનોને તેના અંગદાન કરવા માટે પ્રેરણા આપી હતી. કિરણ રાઠોડના પરિજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના 3 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં એક હૃદય અને 2 કીડની મળી અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપવામાં આવ્યું હતું.

Next Story