/connect-gujarat/media/post_banners/dc5f0a6870743c7979a2bb1df0a911d28a28f7381c62b7aa0c9adee38e73fa6a.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા પડતાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજયું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામના ત્રણ યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા જતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ડૂબી રહેલા યુવાનોએ બુમાબૂમ કરતા નજીકમાં રહેલા લોકો દ્વારા 2 સગા ભાઈઓ મુસ્તાક રસૂલ મલેક અને મોઈન રસૂલ મલેકને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, અન્ય એક અબરાર મોહમ્મદ મલેક નામનો યુવાન પાણીના ઊંડાણમાં ઉતરી જતા લાપતા બન્યો હતો. જેની શોધખોળ સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં કરજણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઝઘડીયા અને કરજણ ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. જેઓ દ્વારા બોટ લઈ પોતાના સાધનો વડે મોડી સાંજ સુધી પાણીમાં લાપતા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાંજે 7:30 વાગ્યા સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી અંધારું થઈ જતા ફાયર વિભાગની બન્ને ટીમો પાણીની બહાર આવી ગઈ હતી. ત્યારબાદ એક સ્થાનિક દ્વારા મચ્છી પકડવાની ગિલ (કડી)ની મદદ વડે ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને મોડી સાંજે બહાર કાઢવામાં સફળતા મળી હતી. અંદાજે 22 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત થવાના પગલે ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે શોકની લાગણી છવાઈ હતી.