દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી દાઝી જવાના કે અન્ય આકસ્મિક બનાવમાં લોકોને તુરંત સારવાર મળી રહે તે માટે 108 એમ્બયુલન્સ સેવાના કર્મચારીઓ દીવાળી ઓફિસમાં જ ઉજવશે...
કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી ફરીથી પાટા પર આવી રહી છે અને બે વર્ષ બાદ દિવાળીના તહેવારની અસલી રંગત જોવા મળી રહી છે. ચારે તરફ ઉમંગ, ઉત્સાહ અને આનંદનો માહોલ છે. દિવાળીના તહેવારને લોકો પરીવાર સાથે ઉજવશે ત્યારે 108 એમ્બયુલન્સ સેવાના કર્મચારીઓ ઓફિસમાં જ દીવાળીની ઉજવણી કરશે. દીવાળીના તહેવારમાં પણ લોકોને ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે ભરૂચ જિલ્લામાં 108ના 90 જેટલા કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના પર્વમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધ પાત્ર વધારો થાય છે તેને ધ્યાનમાં રાખી 108ના કર્મચારીઓ તેમની ફરજ પર હાજર રહેશે. ભરૂચ જિલ્લાના બધાજ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની મોજ માની શકે તે માટે 108 ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલથી પોતાના પરિવાર સાથે ઉજવણીમાં સામેલ થશે.