Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઉત્તરાખંડના જોશી મઠ જેવુ સંકટ ઝઘડીયામાં,અનેક ઘરોમાં પડી તિરાડ તો મંદિરો નદીમાં ગરકાવ થવાની સ્થિતિમાં

આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.

ભરૂચ: ઉત્તરાખંડના જોશી મઠ જેવુ સંકટ ઝઘડીયામાં,અનેક ઘરોમાં પડી તિરાડ તો મંદિરો નદીમાં ગરકાવ થવાની સ્થિતિમાં
X

ઉત્તરાખંડના જોશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદાકાંઠા વિસ્તારમાં તોળાયું છે. કાંઠા વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ, આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.

નર્મદા કિનારે વસેલાં ભાલોદ, કૃષ્ણપુરી સહિતનાં અનેક ગામડાંમાં નદીના કિનારે ચહલપહલ ઓછી છે, પણ કાંઠા વિસ્તારોમાં આવેલાં મંદિરો, આશ્રમો અને મકાનો ધરાવતા લોકોના મનમાં ચિંતાનો સાગર ઘૂઘવી રહ્યો છે અને એનું કારણ છે નર્મદા નદીના કિનારે થઈ રહેલું ધોવાણ છે. અત્યારસુધી ભરૂચના ગોલ્ડનબ્રિજથી અંકલેશ્વર તરફના છેડા પર ધોવાણની સમસ્યા હતી, પણ હવે ઝઘડિયા તાલુકાનાં ગામડાંમાં પણ ધોવાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલા ઉદાસીન કાર્ષણી મંદિર તો માટીના ધોવાણના કારણે અસ્તિત્વ સામે જંગ ખેલી રહ્યું છે.

મંદિરનો કેટલોક ભાગ તો જમીન બેસી જવાથી ધરાશાયી થઈ ગયો છે અને આવી જ હાલત ભાલોદ ગામ પાસે આવેલા જીઆઇડીસીના પંપિગ સ્ટેશનની પણ છે. જો વહેલી તકે ધોવાણ રોકવામાં નહિ આવે તો કાંઠા વિસ્તારની જમીનો એક દિવસ નર્મદાના પાણીમાં ગરકાવ થઈ જશે. ભાલોદ, કૃષ્ણપુરી, ટોથીદરા સહિતનાં અનેક ગામોમાં આવી સમસ્યા જોવા મળી રહી છે. ગામલોકોનું કહેવું છે કે નર્મદા નદીમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન થઇ રહ્યું છે.

રોજની હજારો ટન રેતી ખનન કરી લેવાતી હોવાથી નર્મદા નદીની ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ છે અને એનાં પરિણામો અમે ભોગવી રહ્યાં છીએ. જોશીમઠમાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી સ્થિતિ અમારાં ગામોમાં પણ જોવા મળી રહી છે.

Next Story