ભરૂચ જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શક્તિનાથ ખાતેથી પારખેતના વ્યક્તિને રોકડા 35 લાખ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભૂતકાળમાં ભરૂચ શહેર અને જિલ્લામાં હવાલાકાંડનું ભૂત ઘણુ ધૂણ્યુ હતું ત્યારે ફરી હવાલા કૌભાંડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચના મુજબ SOG એન્ટીસોશ્યલ એક્ટિવિટી અને અર્થતંત્ર ન ખોખલા કરતા અપરાધો અટકાવવા કામગીરી કરી રહ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે શક્તિનાથ સર્કલ પર બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી રોકડા 35 લાખ મળી આવ્યા હતા. કાર ચાલક પારખેતનો દિલાવર મુસા ઉમરજી વોરા પટેલે આ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. જોકે, નાણાં અંગે જરૂરી આધાર પુરાવા, બિલ રજૂ કરી નહિ શકતા તેની અટકાયત કરવામાં આવી હતી.પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નાણાં કપાસના અને કડીથી મોકલાયા હોવાનું કહ્યું છે. જેમાં નાણાં મોકલનાર, અહીં કોણ મેળવાનર હતું અને આંગડિયા પેઢીની ભૂમિકા પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહી છે. સાથે જ સંભવત: હવાલાના નાણાં અંગે જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે. જેથી આ બે વિભાગો પણ 35 લાખ રોકડાની તપાસમાં જોડાશે.