ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું....
હેડ કલાર્કની પરીક્ષાના પેપર ફુટવાના કેસમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરોએ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમનો ઘેરાવો કર્યો હતો. કમલમનો ઘેરાવો કરી રહેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ તો કર્યો જ હતો પણ ભાજપના કાર્યકરોએ પણ કથિત રીતે તેમને ફટકાર્યા હતાં. આ મામલે ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવિણ રામ સહિત 70 કાર્યકરો સામે એફઆઇઆર થઇ છે. ગાંધીનગરમાં બનેલી ઘટનાના વિરોધમાં ભરૂચમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ સ્ટેચ્યુ પાર્ક ખાતે રામધુન કરી હતી. જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ તથા અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયાં હતાં.