બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાના હેતુ સાથે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જે.બી.મોદી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સૂર સરિતા' શિર્ષકને સાર્થક કરતા, સંગીત સંધ્યા સ્વરૂપે રજૂ થયેલ ભરૂચની જે.બી.મોદી વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાની સાથો સાથ, જીવ માત્રના અસ્તિત્વના આધાર સમા પાણી અને પાણીના વિવિધ સ્ત્રોતોમાં ખાસ કરીને આપણી જીવનધારા એવી નદીઓના જતન અને સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં જળ અને પ્રાકૃતિક સૌંદર્યનું મહત્વ સમજાવતી સ્ક્રિપ્ટ સાથે ઉપરોક્ત વિષયને અનુરૂપ વિવિધ ગીતો, સુમધુર સંગીત અને તાલબદ્ધ નૃત્ય સાથે રજૂ થયા. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની સ્વયં-સેવા સાથે, ધોરણ 1થી 9ના કુલ 462 પૈકી 455 એટલે કે લગભગ તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર જાનકી મીઠાઈવાલા, શાળાના ટ્રસ્ટી નિકી મહેતા ઉપસ્થિત રહ્યા. તેઓ તથા અન્ય અતિથીઓ દ્વારા સ્કૂલની તથા વિવિધ જિલ્લા કે, રાજ્ય કક્ષાએ યોજાતી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સર્વે મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિ તેમજ તમામ વાલી ગણની હાજરીએ વિદ્યાર્થીઓમાં અનેરો જોશ અને ઉત્સાહ ભર્યો હતો.