ભરુચ : ઝઘડિયાના અવિધા ગામની સીમમાં વીજપોલના સમારકામ વેળા વીજ કર્મીને કરંટ લાગતા મોત

બિપોરજોય વાવાઝોડાં બાદ વીજ કંપની દ્વારા તાલુકામાં ઠેરઠેર સમારકામો ચાલી રહ્યા છે

New Update
ભરુચ : ઝઘડિયાના અવિધા ગામની સીમમાં વીજપોલના સમારકામ વેળા વીજ કર્મીને કરંટ લાગતા મોત

બિપોરજોય વાવાઝોડાં બાદ વીજ કંપની દ્વારા તાલુકામાં ઠેરઠેર સમારકામો ચાલી રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકાના અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચતા ૨૯ વર્ષીય મગનભાઇ ભીમસીંગભાઇ વસાવા ગતરોજ રોજ સાંજના છ વાગ્યાના અરસામાં અન્ય સાથી કર્મીઓ સાથે ઝઘડીયા તાલુકાના જુનાપોરા એગ્રીકલ્ચર વીજ લાઇન ફિડરમાં અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચી સમારકામ કરવા ગયા હતા. આ દરમિયાન તેઓ વીજ પોલ ઉપર વાયરો ખેંચવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એગ્રીકલ્ચર લાઇન ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇનના ઇન્ડેક્સન પાવરના કારણે મગનભાઇને બન્ને હાથમાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ જમીન પર પટકાયા હતા. જમીન પર પટકાયેલ મગનભાઈને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આ બાબતે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.