ભરૂચ જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ ભરૂચ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બનતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં લાખો-કરોડો રૂપિયાના ખર્ચે માર્ગોનું નવીનીકરણ થતું હોય છે. પરંતુ તે માર્ગો એક વર્ષ પણ ટકતા નથી. તેવામાં ભરૂચની શ્રવણ ચોકડીથી દહેજ સુધીનો માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાય જવાના કારણે માર્ગ પર મોટા ખાડા પડ્યા છે. જેથી વાહનોના ટાયર ખાડામાં ખાબકવાના કારણે ચાલક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અનેક વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બાયપાસ ચોકડીના બ્રિજ ઉપર 2થી અઢી ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા સાથે બ્રિજમાં રહેલા લોખંડના સળિયા પણ ડોકિયા કરતા નજરે પડી રહ્યા છે. આ સળિયાઓના કારણે વાહન ચાલકોના ટાયરમાં પંચર પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરીને રોડ-રસ્તા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ એક જ વરસાદમાં આ રસ્તા ધોવાય જતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ-રસ્તાની કામગીરી પર ઘણા સવાલ ઉભા થયા છે, ત્યારે ભરૂચ-દહેજ માર્ગ અને બાયપાસ રોડનું વહેલી તકે સમારકામ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.