/connect-gujarat/media/post_banners/f84e989615668576d9e470aec756beecc31f9ca7ecdd56f5d8acd477132856ba.jpg)
ભરૂચ જીલ્લામાં સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વળતરની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જો કે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરે એ પૂર્વે જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે ની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી ચુક્યા હતા. આ ઉપવાસને તંત્રએ પરવાનગી આપી ન હતી તેમ છતાં ખેડૂતો ઉપવાસ ઉપર બેસવાની તૈયારીઓ શરૂ કરતા ભરૂચ જિલ્લાના હાંસોટ , અંકલેશ્વર અને આમોદમાં ખેડૂતોને ભરૂચ પહોંચતા અટકાવવા અટકાયત અને નજરકેદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ આ પગલાંને આંદોલન અવાજને દબાવી દેવાનો પ્રયાસ ગણાવ્યો હતો.