Connect Gujarat
ભરૂચ

ભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર

આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે.

X

આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે. જો કે આ ગઠબંધનની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ પણ આક્રમણ મૂડમાં જોવા મળી રહયા છે. ભાજપનું કહેવું છે કે શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર આક્ષેપ કરનાર આપ ભરૂચમાં છોટુ વસાવના મતક્ષેત્રમાં આવતા વિસ્તારોનો પહેલા સર્વે કરે કારણ કે આ વિસ્તારના ધારાસભ્યએ ક્યારેય પણ લોકોના પ્રશ્ન અંગે સરકારમાં રજૂઆત નથી કરી તો બીજી તરફ કોંગ્રેસ આ બાબતે ભાજપ સરકારને જ જવાબદાર ગણાવી રહી છે

ગરવી ગુજરાતના સ્થાપના દિવસથી ગુજરાતમાં નવી જ રાજનીતિનો ઉદ્ભવ થયો છે. રાજધાની દિલ્હીથી જન્મેલી આમ આદમી પાર્ટી અને ભરૂચના અંતરિયાળ એવા ઝઘડીયા વાલિયામાંથી જેનો ઉદય થયો હતો એવી ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. આદિવાસીઓના પરંપરાગત પોષાક, આદિજાતિની ઓળખ કહેવાતું તીર કામઠું અને આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય આ તમામ વસ્તુઓ ગુજરાત સ્થાપના દિવસે યોજાયેલ આદિવાસી સંકલ્પ મહાસમેલનમાં રજૂ કરવામાં આવ્યું હતું. મોટી જનમેદનીને સંબોધતા દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર ભાજપ સરકારને આડે હાથ લીધી હતી જુઓ અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું

અરવિંદ કેજરીવાલે શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર ગુજરાત સરકારને ચેલેન્જ કર્યા બાદથી જ રાજકીય વાતાવરણ ગરમાયું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આપ અને બીટીપીના ગઠબંધન પર જ સવાલ ઊભા કર્યા છે. મારૂતિસિંહ અટોદરીયાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે શિક્ષણ અને આરોગ્યની વાત કરનાર આમ આદમી પાર્ટીએ એવા લોકો સાથે ગઠબંધન કર્યું છે કે આ લોકો વર્ષોથી ટ્રાયબલ વિસ્તારનું પ્રતિનિધિતવ કરે છે પરંતુ આજ દિન સુધી સરકારમાં આ વિસ્તારના પ્રશ્નો અંગે એક પણ વાર રજૂઆત કરી નથી અને આવા લોકો સાથે આપે પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે ભાજપ ભરૂચ જિલ્લાની તમામ 5 બેઠકો પર કબ્જો મેળવશે

આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી બોખલાય ગઈ છે અને કોંગ્રેસ પર ગમેતેવા આક્ષેપ કરી રહી છે. છોટુ વસાવાને પોતાનું ધારાસભ્યપદ ટકાવવું છે માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડવાનું છે. પરિમલસિંહ રણાએ આદિવાસી વિસ્તારની શિક્ષણ તેમજ આરોગ્યની સ્થિતિ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું

આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પડઘમ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સતર્ક થઈ ગયા છે. બન્ને પક્ષના અનેક નેતાઓ આપમાં જોડાય રહ્યા છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસમાં નજરે જોઈ શકાતી ભીડે પર મુખ્ય રાજકીય પક્ષોને વિચારમાં મૂકી દીધા છે ત્યારે આપનું ઝાડુ બીટીપીનું તીર કામઠું કેટલા હદે કારગર નીવડે છે એ આવનાર સમયમાં જ ખબર પડશે કારણ કે પીકચર અભિ બાકી હૈ

Next Story