ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ફાટક નજીકથી મોપેડ પર પસાર થતાં મહીલા વન કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ત્યારે આ મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરવા સાથે ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા આડેધડ અને ઓવરલોડ ચાલતા વાહનો નાના વાહનોને ગણકારતા નથી તે પ્રમાણે પોતાનું વાહન બેફિકરાઇથી હંકારતા જોવા મળે છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અકસ્માતોની વણઝાર ઝઘડિયા પંથકમાંથી સામે આવે છે. તેવામાં નાનાસાંજા ફાટક નજીક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહનની ટક્કરે માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ દહેજ તાલુકાના વાગરા ખાતે રહેતી 32 વર્ષીય કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. કવિતા તેની ફરજ પરથી કેવડીયાથી દહેજ જવા રવાના થઈ હતી, ત્યારે ગુમાનદેવ આગળ નાનાસાંજા ફાટક નજીકથી પસાર થતી વેળા તેઓની મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ટ્રકના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટ્રક તેના પરથી ફરી વળી હતી. જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું. અકસ્માતની જાણ ઝઘડીયા વન વિભાગના કર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે ઝઘડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ઝઘડિયા પોલીસે આજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. જોકે, ગણતરીના દિવસોમાં જ ઝઘડીયા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની ધરપકડ કરવા સાથે ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલો ઓવરલોડ માલ ભરી તથા તેને વહન કરતા સમયે ટ્રકના માલિક તથા ટ્રકના ચાલકે ટ્રકમાં ક્લીનર રાખ્યો ન હતો. જે એક ગંભીર પ્રકારની ભૂલ ગણી શકાય. જો આ ટ્રકમાં અંદર ક્લીનર હોત તો ક્લીનર તેની સાઇડ પર ડ્રાઇવરને સાઈડ બતાવી મોપેડને અડફેટે નહીં લેવા દેતે. પરંતુ એવું ન બન્યું અને ટ્રક માલિક અને ચાલકની બેદરકારીના કારણે વન વિભાગની આશાસ્પદ યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી ટ્રક ચાલકની સાથે સાથે આરટીઓ વિભાગે મોટા ઓવરલોડ ખનીજ વહન કરતા હાઇવા ટ્રકો ક્લીનર વગર ચાલતા હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠવા પામી છે.