ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે. જુઓ અમારો વિશેષ અહેવાલ.
પાવન સલિલા મા નર્મદાના કિનારે ભુગૃઋુષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ... સુજની અને ખારીસિંગ માટે જગવિખ્યાત શહેર એટલે ભરૂચ... ભરૂચ ધાર્મિક અને ઇતિહાસની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ શહેરના સીમાડા વિસ્તરી રહયાં છે. નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ હાલ બે ભાગમાં વહેચાયેલું છે. એક છે નવું ભરૂચ અને બીજું છે જુનુ ભરૂચ.. નવા ભરૂચમાં સોસાયટીઓ અને બંગલા છે અને ત્યાં વિકાસ ઉડીને આંખે વળગી રહયો છે જયારે જુના ભરૂચમાં ગંદકી, ઉબડખાબડ રસ્તાઓ જોવા મળી રહયાં છે.
ભરૂચ શહેર પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધીના વિસ્તાર ઝડપથી વિકસિત થઇ ગયો છે. પાકા રસ્તાઓ, બગીચાઓ સહિતની અનેક સુવિધાઓ તંત્ર તરફથી ઉભી કરવામાં આવી છે. શિયાળાની ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ચુકયો છે. લોકો પોતાના સ્વાસ્થય પ્રતિ સભાન બની બગીચાઓમાં જોગિંગ કરવા જઇ રહયાં છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલું માતરિયા તળાવ કોરોના કાળ બાદ ફરીથી લોકોની અવરજવરથી ધમધમી રહયું છે. કનેકટ ગુજરાતની ટીમે જોગિંગ કરવા આવેલાં લોકો સાથે ભરૂચના વિકાસ અંગે વાતચીત કરી તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આવો જોઇએ શું કહે છે નાગરિકો
ભરૂચ નગરપાલિકા દરેક નાગરિકો પાસેથી વેરાની વસુલાત કરે છે. વેરાના બદલામાં પાલિકા લોકોને માળખાકીય સુવિધાઓ પુરી પાડે છે. ભરૂચના સોસાયટી વિસ્તારોમાં વિકાસની ચકાચોંધ છે તો હવે તમને બતાવીશું એવા વિસ્તારો કે જયાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. ભરૂચ શહેરના ફાટાતળાવ, ગાંધીબજાર સહિતના પશ્ચિમ વિસ્તારો વિકાસની દોટમાં પાછળ રહી ગયાં છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ઉબડખાબડ રસ્તાઓ જાણે વિકાસના માર્ગમાં અવરોધ બનીને ઉભા હોય તેમ લાગી રહયું છે. પાલિકા સત્તાધીશોની આંખો પર જાણે પાટા લાગી ગયાં હોય તેમ આ વિસ્તારના હજારો લોકો માળખાકીય સુવિધાઓથી વંચિત છે. દરરોજ તેમને ગંદકીની સમસ્યા સતાવે છે પણ વિકાસના કહેવાતા આકાઓને તેમની સમસ્યા સંભળાતી નથી. કનેકટ ગુજરાતની ટીમે આ વિસ્તારના રહીશો સાથે પણ વાતચીત કરી હતી.