/connect-gujarat/media/post_banners/81ac93c24c454e12ede4019153b5dbf59ee9f022fb5132dc75a2c03484ea8a0f.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અંધાર કાછલા ગામે છેલ્લા 2 મહિના ઉપરાંતથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો હાકાલી ભોગવી રહ્યા છે. પીવાનું પાણી નહીં મળતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનોએ પાણીની સમસ્યા મુદ્દે સરપંચને રજૂઆત કરતા સરપંચે આડકતરો જવાબ આપતા જણાવ્યું હતું કે, તમે નજીકની ખાડીમાંથી પાણી ભરી લાવો. પરંતુ ગામની નજીક આવેલી ખાડીમાં ઝઘડિયા GMDCનું પ્રદુશીત પાણી વહે છે, જે પાણી મનુષ્ય તેમજ ઢોરઢાંખર માટે પીવા લાયક નથી. ખાડીનું પ્રદુષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી શક્યતા છે.
અંધાર કાછલા ગામે મોટા ભાગે ખેતમજૂરી કરતા લોકો વસવાટ કરે છે. ગામમાં આવેલા સોલાર પેનલથી ચાલતા એક બોરમાં સવારે 10 વાગ્યા પછી પાણી આવે છે. જેથી મજૂરીએ જતા લોકો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. ગામ લોકોના જણાવ્યા મુજબ, તલાટી પાસે કોઈ પણ કામ માટે જાય તો પહેલા પાણી વેરો ભરવા માટે જણાવે છે. પરંતુ ગામમાં પાણી આવતું નથી તો વેરો શા માટે ભરવો તે સવાલ ગ્રામજનોના મનમાં થઈ રહ્યો છે, ત્યારે પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનોએ સરપંચની હાય હાયના નારા બોલાવી, પાણીના માટલા ફોડી સરપંચ તેમજ તંત્ર સામે વિરોધ પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.