Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જમીન સંપાદન વળતર મુદ્દે લોકસભા ચૂંટણીની ખેડૂત સમન્વય સમિતિએ ઉચ્ચારી બહિષ્કારની ચીમકી..!

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ચૂંટણી પંચને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય અને વિશ્વાસઘાત થયો હોવાના આક્ષેપ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ચૂંટણી પંચને સંબોધેલ આવેદન પત્ર પાઠવી ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ચૂંટણી પંચને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્તો સાથે વળતર બાબતમાં સરકાર દ્વારા સીધો અન્યાય કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર જિલ્લાના ગામડાઓને એવરેજ રૂપિયા 660/-થી 852/- પ્રતિ ચો.મી આપવાનું સરકાર તરફથી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. અને વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકાર દ્વારા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે.

જોકે, માત્ર રૂપિયા 15/-થી રૂપિયા 250/-પ્રતિ ચો.મીનો વધારો આપી ખેડૂતો સાથે અન્યાય થયો છે. સુરત, નવસારી અને વલસાડમાં અસરગ્રસ્તોને લાભાર્થી બનાવી વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે NHAIએ ભરૂચ જિલ્લાના ઓર્ડરને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારી ભરૂચના ખેડૂતોને અન્યાય કર્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યુ હતું. જેથી ભરૂચના ખેડૂતોને જ્યાં સુધી સુરત, વલસાડ, નવસારી, સેલવાસ અને ડહાણું પ્રમાણેનું વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી 28 ગામોના અસરગ્રસ્તો 2024 લોકસભાની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story