ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. કંપની સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે. આ કંપની સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. GNFC તેના CSR વિભાગ-નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નારદેસ) મારફતે સામાજીક વિકાસની અનેક કામગીરીઓ કરી રહી છે. વૃદ્ધિ અને વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું સર્વમાન્ય છે
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓની અપૂરતી સંખ્યા તથા તેમાંની માળખાકીય સુવિધાઓ અને સંશાધનોની અછતના કારણે આવી શાળાઓમાં પ્રવેશ માટે ઓછો ઉત્સાહ (નિરસતા) જોવા મળે છે, તેમજ આવી શાળાઓના બાળકોમાં ડ્રોપ આઉટનું વધારે પ્રમાણ જોવા મળે છે, તેવામાં GNFC કંપનીએ હલદરવા અને રહાડપોર ગામની સરકારી શાળાઓમાં વધારાના વર્ગખંડનું બાંધકામ કરાવી, આ શાળાઓની માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે. આવી શાળાઓમાં બાંધવામાં આવેલ વર્ગખંડનું ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ વિભાગના સરકારી પદાધિકારીઓ અને GNFC કંપનીના જનરલ મેનેજર પંકજ સનાધ્યા તથા નિતેશ નાયક સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.