Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે સરકારનું મર્યાદિત વળતર ખેડૂતોને સ્વીકાર્ય નથી : ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ

ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી

X

નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે બાગાયતિ પાકોમાં થયેલા નુકશાન અન્વયે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. તો બીજી તરફ, ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. નર્મદા પૂર અસરગ્રસ્ત ખેડૂતોએ ખાસ કૃષિ રાહત પેકેજને નગણ્ય ગણાવી મર્યાદા વગર તમામ જમીન માટે વળતરની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

તાજેતરમાં તા. 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદના કારણે આ 3 જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકશાન તેમજ ખેતરોમાં પાણી ભરાય જવાના પરિણામે નુકશાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને થયેલા નુકશાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકશાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે, તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે. જોકે, ભારે ઊહાપોહ અને હોબાળા બાદ ખેતી પાકમાં થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ આ રાહત પેકેજ અપૂરતું હોવાનું ખેડૂતો જણાવી વળતર વધારવા માટેની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પૂરના પાણી ભરાતા ઉભા પાક નષ્ટ થઈ ગયા છે, ત્યારે ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોવાનું અસરગ્રસ્ત ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકાની અને 2 હેકટરની મર્યાદાને દૂર કરી પુર દરમ્યાન ખેડૂતોને થયેલ નુકશાની અંગે વ્યવસ્થિત માપણી અને ફોટા પાડીને ખેડૂતોને વળતર આપવું જોઈએ. તાજેતરમાં સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતો ફરી બેઠા પણ થઈ શકે તેમ નથી, જેથી ખેડૂતોએ ખાસ કૃષિ રાહત પેકેજને નગણ્ય ગણાવી મર્યાદા વગર તમામ જમીન માટે વળતરની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story