ભરૂચ : નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી...

સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.

New Update
ભરૂચ : નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી...

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વર્ષ 2022ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, મહેકમ શાખા, મેલેરિયા શાખા, પ.વ.ડી શાખા તેમજ સીટી એન્જી. શાખા સહિત વૉટર વર્ક્સ શાખા મળી વિવિધ શાખાઓને લગતા કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં દિવાળી નિમિત્તે આપવામાં આવેલ જાહેર ખબરોના ખર્ચ મંજુર કરવા, કારોબારીમાં થયેલ ઠરાવ અંગેનો હિસાબ મંજુર કરવા, રોજદાર, ફિક્સ પગારદાર કર્મચારીઓને મેડિકલ વિમો બાબત સહિત પાલિકાને લગતા મશીનો રીપેરીંગ કરવા તેમજ જે તે એજન્સીઓને આપવામાં આવતા ભંડોળ મંજુર કરવા જેવી કુલ 24 જેટલી બાબતો સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવી હતી.

સવારે 11 કલાકે શરૂ થયેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. પાલિકાના સભાખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં એક સમયે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી. જેમાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે પણ વિપક્ષે સત્તા પક્ષને આડે હાથ લીધો હતો. જોકે, ભરૂચ નગરપાલિકાની આ વર્ષની છેલ્લી સામાન્ય સભામાં પક્ષ-વિપક્ષના સભ્યો એકબીજા ઉપર શબ્દો આક્રમણ કરતા નજરે પડ્યા હતા.