ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામ નજીક કેનાલ રોડ પરથી દારૂનો જથ્થો ભરેલી ઈકો કારને LCB પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને પકડી પાડી હતી. પોલીસે ઈકો કાર મળી કુલ રૂ. 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આગામી દિવસોમાં આવી રહેલા હોળી-ધૂળેટીના તહેવારોને લઈ બુટલેગરો જિલ્લામાં દારૂ ઘૂસાડી રહ્યા છે. પરંતુ તેમની આ તરકીબોને પોલીસે નાકામ કરી છે. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ કડક કાર્યવાહી કરી છે. ગતરોજ ભરૂચ LCBના પીએસઆઈ એમ.એમ.રાઠોડ અને તેમની ટીમ ઉમલ્લા પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે માહિતી મળી હતી કે, કપાટ રોડ ચંદનીયા તરફથી વહેલી સવારે મોગલ રાયસીંગ વસાવા જીજે-16-ડીજી-2437 નંબરની ઇકો કારમાં વિદેશી દારૂ ભરી ઉમલ્લા તરફ આવનાર છે. જેના આધારે પોલીસે માહિતીવાળા માર્ગ પર વોચ ગોઠવી હતી. આ સમય દરમિયાન માહિતીવાળી ઈકો કાર આવતા તેને રોકવા જતાં ચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી LCB પોલીસે તેનો ફિલ્મ સ્ટાઈલમાં પીછો કરતા ગભરાઈ ગયેલા બુટલેગરે કારને રોડની સાઈડમાં મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે ડભાલ ગામ આગળ કેનાલ રોડ ઉપરથી ઇકો ગાડી પકડી પાડી હતી. જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન નંગ 265 જેની કિંમત રૂ. 26,500 સહિત ઈકો કાર મળી કુલ 3,26,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ ઝઘડીયાના ડભાલ ગામના મોગલ રાયસિંગ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.