ભરૂચ : નગરપાલિકાની હદની બહાર ફરતી સીટી બસ બંધ કરાવવા રિકશાચાલકોના દેખાવો
સીટી બસ સેવા સામે રીકશાચાલકોનો વિરોધ, પાલિકાની હદની બહારની બસો બંધ કરાવવા માંગ.
ભરૂચ શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પણ તેને નગરપાલિકાના હદ વિસ્તાર સુધી સિમિત રાખવાની માંગ સાથે રીકશાચાલકો વિરોધ કરી રહયાં છે. સોમવારના રોજ રીકશાચાલકોએ દેખાવો યોજી તેમની માંગણીને ધ્યાને નહિ લેવાય તો ચકકાજામની ચીમકી આપી છે.
ભરૂચ શહેરના લોકો સસ્તી અને સલામત મુસાફરી કરી શકે તે માટે સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સીટી બસ સેવા શરૂ થતાંની સાથે રીકશાચાલકો વિરોધના મુડમાં દેખાઇ રહયાં છે. સીટી બસ સેવા શરૂ થતાં રીકશાચાલકોની રોજગારી પર અસર પડી હોવા બાબતે તેઓ અગાઉ આવેદનપત્ર પણ આપી ચુકયાં છે. ભરૂચની સીટી બસ સેવાની વાત કરવામાં આવે તો હાલ કુલ 8 રૂટ પર સીટી બસ દોડાવવામાં આવી રહી છે જેમાં મોટાભાગના વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં છે. રીકશાચાલકોની માંગણી છે કે, નગરપાલિકાની હદમાં સીટી બસો દોડવવામાં આવે તે આવકાર્ય છે પણ નગરપાલિકાની હદ બહાર દોડતાં રૂટો બંધ કરવામાં આવે જેથી રીકશાચાલકોને પણ રોજગારી મળી રહે.
ભરૂચ જિલ્લા પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે જણાવ્યું હતું કે રિક્ષા આસોશિએશન દ્વારા ઘણી માંગણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના હદમાં જ બસોનું વાહન વ્યવહાર થાય, તેની બહાર વાહન વ્યવહાર ન થાય, પરંતુ સરકારી પરિપત્ર મુજબ સમગ્ર ગુજરાતની દરેક નગરપાલિકામાં આવતા 5 કીમીની હદ વિસ્તારમાં પરિવહન યોજનાની મંજુરી આપવામાં આવી છે. રીકશાચાલકોની માંગણી અર્થે યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે.