ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યક્રમો થકી શ્રવણ સ્કૂલ ખાતે 7,272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી સંકલ્પ પૂર્ણ કરવા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપે દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી જન્મદિન ભેટ આપવાનો પ્રયાસ કરાયો હતો. જેના ભાગરૂપે શ્રવણ સ્કૂલ ખાતે વર્ષ પહેલાં લેવાયેલો 7,272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિકરીઓના હસ્તે કેક કપાવી સુકન્યા સમૃદ્ધિની પાસબુક વિતરણ કરાયું હતું. પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, છોટાઉદેપુર પ્રભારી રમેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, વૈભવ બિનિવાલે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શ્રવણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.