/connect-gujarat/media/post_banners/b089cf6c833484af213383c56636fab26d51e72da97aab45022939d7a0a3a334.webp)
ભરૂચ શહેરમાં નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકાના વિપક્ષના સભ્યોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી માઁ દુર્ગાના મહાપર્વ એવા નવરાત્રિના પર્વની શરૂઆત થવાની છે, અને ત્યારબાદ ઇદે મિલાદનો તહેવાર પણ આવનાર હોય જેથી, નવરાત્રી અને ઇદે મિલાદના તહેવાર પૂર્વે ભરૂચ શહેરમાં અતિ બિસ્માર બનેલા તમામ મુખ્ય માર્ગો, શેરીઓ અને સોસાયટીઓ તેમજ જ્યાં ગરબાનું આયોજન થવાનું છે, તે તમામ વોર્ડ વિસ્તારમાં રસ્તાઓનું પેચ વર્ક કરવામાં આવે. આ સાથે જ સફાઈ અને ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવે. આ સાથે જ વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોની તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરી ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ન વહે, તેમજ અતિ જરૂરી માર્ગો પરની સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ સહિતના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે. જેથી ભરૂચ નગરપાલિકા વિસ્તારની જનતાને તહેવારોમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભરૂચની જનતા મુશ્કેલીનો સામનો કર્યા વિના તહેવારોની ઉજવણી કરે તેવી માંગ સાથે નગરપાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદ સહિતના આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી પોતાની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી.