ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન કાવી રોડની બિસ્માર હાલત બનતા વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. અવાર નવાર અહી માર્ગ અકસ્માતોના કારણે અનેક લોકોના જીવનદીપ બુઝાયાના કિસ્સા સામે આવતા જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના જંબુસરથી કાવી રોડ તાલુકાના અસંખ્ય ગામો સાથે જોડાયેલ છે, અને તાલુકાના પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળો કંબોઇ તેમજ કાવી જૈન દેરાસર આવેલા છે. શનિવાર, રવિવાર તેમજ અમાસના દીવસે દરિયાની ભરતીના દર્શન કરવા અને લટાર મારવા ગુજરાતભરની જનતા અહી આવે છે. પરંતુ ધોરી માર્ગ સમાન કાવી રોડની બિસ્માર હાલત બનતા અનેક વાહનચાલકોને હાલકી વેઠવાનો વારો આવે છે. એટલું જ નહીં, અવાર નવાર માર્ગ અકસ્માતના કારણે અનેક લોકોના જીવનદીપ બુઝાયાના કિસ્સા પણ સામે આવ્યા છે, ત્યારે તંત્ર પ્રત્યે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, આ મામલે તાલુકા વહીવટ તંત્ર અને જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગતું નથી, ત્યારે હવે વહેલી તકે અહીના બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.