/connect-gujarat/media/post_banners/b292472a315beafcaf6040409e73715872060697f7ee2d226cabad741bb3f3b9.jpg)
વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે તો ભરૂચ જિલ્લામાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયાં છે. જંબુસર તાલુકાના વાવલી ગામની મહિલાઓ માથા પર મેઘ પ્રતિમા લઇને ઘરે ઘરે મેહુલિયો માંગવા માટે નીકળી હતી.
ભરૂચ જિલ્લામાં ઓછા વરસાદથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. નદી, નાળાઓ અને જળાશયોમાં જળસ્તર ઘટી રહયાં હોવાથી વરસાદની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. વરસાદની અછતના સમયે મેઘરાજાને મનાવવા મેહુલિયો માંગવા નીકળવાની પ્રથા ચાલી આવે છે. મેઘરાજા રીસામણાં લેતા ત્યારે ઋષિ- મુનિઓ મેઘરાજાને મનાવવા પરજન્ય યજ્ઞ કરતા અને વરુણ, ઈન્દ્ર દેવને પ્રસન્ન કરતાં હતાં. જંબુસર તાલુકાના વાવલી ગામની મહિલાઓએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી હતી. આ પ્રતિમાને લાકડાના બાજઠ પર સ્થાપિત કરી બાજઠ માથા પર મુકી મહિલાઓ ગામમાં ઘરે ઘરે ફરી હતી. " તું તો વરસીને વેહલો આવ , મેવલીયા તારી કીડી મકોડી તરસે મરે સહીતના મેઘગીતો મહિલાઓએ લલકાર્યા હતાં. જંબુસર પંથકમાં પણ મેઘરાજાએ રીસામણા લીધા છે ત્યારે કપાસ તુવેરના પાકો નિષ્ફળ જવાની ભીતિ ધરતીપુત્રોમાં સેવાઈ રહી છે વાવલી ગામની મહિલાઓ કાશી વિશ્વનાથ મંદિરે એકત્ર થઇ મેઘરાજાને મનાવવા મેઘ પ્રતિમા સાથે લાલજી મંદિર, નવી ખડકી, મોટી ખડકી, ટેકરો, સ્વામિનારાયણ મંદિર, ભાથુજી મંદિર, જોગીદાસ મંદિર ફળિયા વિસ્તારમાં ફરી હતી.