ગુજરાતમાં આવનાર દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ થવા જઈ રહી છે. જેને અનુલક્ષીને પરીક્ષાઓમાં ભાગ લેનાર ઉમેદવારો દિવસ-રાત પરસેવો પાડીને પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે ભરૂચમાં LRD અને PSIની શારીરિક કસોટીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભરૂચમાં તા. 3 અને 4 ડિસેમ્બરના રોજ ભરતી પરીક્ષા યોજાવાની હતી, જે સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે.
ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ માવઠાના કારણે ભરૂચ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ગ્રાઉંડમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે પોલીસ ભરતીમાં લેવાતી શારીરિક કસોટીની પરીક્ષામાં ઉમેદવારોને ઘણી તકલીફ પડી રહી છે, ત્યારે હાલ પૂરતી આ પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવ્યુ છે. જોકે, હવે શારિરીક કસોટીની પરીક્ષા માટેની નવી તારીખ બહાર પડ્યે ઉમેદવારોએ પરીક્ષા આપવા જણાવાયું છે.