/connect-gujarat/media/post_banners/6a1d07882d2352cd84b15bf3160a1f7f5ff3c07c058554ced7db4b2fce5c6f15.webp)
ભરૂચ જિલ્લાના આમોદ નગર ખાતે ચાર રસ્તા ઉપર પોલીસે દબાણો સહિત દુકાનોના પતરાના સેડ દૂર કરતા સ્થાનિક લોકોએ મોકળાશ અનુભવ કર્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ ગામે ચાર રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે આમોદ પોલીસે સપાટો બોલાવી દબાણો દૂર કર્યા હતા. જેમાં રીક્ષા તેમજ ઇકો ગાડીના ચાલકો દ્વારા મન ફાવે તેમ વાહન પાર્કિંગ કરવામાં આવતું હતું.
જે બાબતે આમોદ નગરજનો દ્વારા અનેક ફરિયાદો ઉઠી હતી, તેમજ ગમે તેમ વાહન પાર્કિંગ કરતા સરકારી બસને પણ પેસેન્જર ઉતારવા તેમજ લેવા માટે અનેક તકલીફ પડતી હતી. જે બાબતે આમોદ ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકના સ્થાને યોજાયેલ લોક દરબારમાં પણ નગરજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા હતા. એટલું જ નહીં, ચાર રસ્તા પર ગમે તેમ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે લાલ આંખ કરતા વાહનચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ચાર રસ્તા ઉપરના રસ્તાઓ પહોળા દેખાતા સ્થાનિક લોકોએ મોકળાશ અનુભવી હતી. આ સાથે જ આમોદ પોલીસની કામગીરીને લોકોએ પણ સરાહનીય ગણાવી હતી.