Connect Gujarat
ભરૂચ

ભરૂચ : એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનાર પુનગામના ખેડૂતોને પણ અન્ય જિલ્લાની સરખામણીએ મળશે વળતર...

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે,

X

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને અન્ય જિલ્લાઓની સરખામણીએ વળતર મળશે, ત્યારે આ અંગેની જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપના આગેવાનોનું મોઢું મીઠું કરાવી આભર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 જેટલા ખેડૂતો માટે જોવા જઈએ તો, હવે ખરી દિવાળીનો માહોલ જામ્યો છે. ભારત માલા પ્રોજેક્ટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેમાં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સહિત ભરૂચ ભાજપના આગેવાનોએ દિલ્હી દરબારમાં 4 વખત ધામાં નાખ્યા હતા. દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની વખતો વખત રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ-વેના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા જેવા કે, સુરત અને નવસારી પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી છેલ્લા 4 વર્ષથી ચાલી રહી હતી.

ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન મોરચા સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજૂઆત કરી હતી. ભાજપની ડબલ એન્જીનની સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ-વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેક્ટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ થકી 142 પ્રતિ ચોરસ મીટરથી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ પુનગામના 34 ખેડૂતોને હવે 40.90 એકરના 68.34 કરોડ રૂપિયા મળશે. જેથી કહી શકાય કે, ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતને મોઢું મીઠું કરાવી ખેડૂતોએ એવોર્ડને આવકારી તમામનો આભર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે 1.67 કરોડ રૂપિયા મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે, આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં ન જાય. તેમજ અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકાર તેમજ જિલ્લા ભાજપના પ્રયાસોને લઈ ખુશીનો માહોલ છવાયો છે.

Next Story