ભરૂચ : નેત્રંગ પંથકમાં કમોસમી વરસાદ સાથે વરસ્યા કરા, ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ...
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. જોકે, વરસાદ સાથે કરા પડતા ઘઉં સહિતના પાકને વ્યાપક નુકસાન પહોચતા ખેડૂત દયનીય હાલતમાં મુકાયો છે.
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે. જેમાં નેત્રંગ તાલુકામાં કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થશે તેવું લાગી રહ્યું હતું. તેજગતિના પવનની સાથે કમૌસમી વરસાદી માવઠું થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી પામી છે. જેની વિપરીત અસર જનજીવન અને ખેતીવાડી ઉપર વર્તાય રહી છે. કમોસમી વરસાદી માવઠાની સાથે ઘરે-ઘરે શરદી, ખાંસી અને તાવના દર્દીઓનો જમાવડો જણાઇ રહ્યો છે. તેવામાં નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં, આકાશમાંથી વરસાદી પાણીની સાથે કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે. જેમાં ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.