Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું DDOને આવેદન

જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

X

ભરૂચ જીલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકા પંચાયત સદસ્યા નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચના ઝનોર મુકામે જીલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર-બામણીયા હોડીઘાટ વર્ષ 2024-25 માટે પરવાનાથી ચલાવવા છેલ્લા 12 માસથી જુના ઇજારદાર દ્વારા જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપીયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે. જે એક ગંભીર તપાસનો વિષય છે. કારણ કે, આ ઇજારદાર દ્વારા જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવેલ હોય જેનાથી જીલ્લા પંચાયત ભરૂચને ઘણું નાણાંકીય નુકશાન થયું છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકશાનીના નાણાં વસુલ કરવામાં આવે તેમજ ઓરપટાર-બામણીયા હોડીઘાટ કોઇપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે. મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચઢાવવામાં આવે છે. ઉપરાંત ઢોર-ઢાખરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે. જે ખૂબ જ જોખમ કારક છે. હોડીઘાટમાં ઝનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવર જવર કરે છે. હાલમાં વડોદરા હરણી બોટ દુર્ઘટના બની હતી, ત્યારે હવે તેવી ફરી કોઈ ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે, જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Next Story