Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કતોપોર બજારના મચ્છી માર્કેટની બિસ્માર હાલત, પાલિકા પ્રત્યે લોકોમાં રોષ...

કતોપોર બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

X

ભરૂચ શહેરના કતોપોર બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મામલે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન થતાં વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10માં કતોપોર બજાર ખાતે વર્ષો જૂની મચ્છી માર્કેટ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. વર્ષોથી મચ્છીના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ અહી વ્યવસાય કરે છે. નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટના દુકાનદારો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવે છે. જોકે, 3 વર્ષ પહેલા પાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી મચ્છી માર્કેટના નવીનીકરણ સહિત અન્ય કામો માટે મંજૂરી આપવામાં આવી હતી.

તેમ છતાં આજ દિન સુધી કોઈપણ કાર્યવાહી ન કરાતા મચ્છી માર્કેટના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, મચ્છી માર્કેટની બિસ્માર હાલત અને ગંદકીનું સામ્રાજ્ય હોવાથી આજુબાજુના સ્થાનિકો અને માર્કેટમાં આવતા લોકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચે તેવી ભીતિ સેવાય રહી છે, ત્યારે આ બાબતે પાલિકા કોઇ કાર્યવાહી કરવામાં આવે તેવી અહીના વેપારી અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story