તાજેતરમાં જ સુરતમાં 2 યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે, આવી જ ભાઈગીરી ભરૂચના યોવાનોને પણ ચઢી છે, ત્યારે કેબલ બ્રિજ ઉપર 2 બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ભરૂચ તાલુકા પોલીસે 4 આવારા તત્વોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકો પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયા ઉપર ભાન ભૂલી રહ્યાં છે. જેઓ કેટલીક વાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. તો ક્યારેક શોભજનક સ્થિતિ સાથે કાયદાની આંટીધુટીમાં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરીના દ્રશ્યો હવે ભરૂચ જીલ્લામાં પણ જોવા મળ્યા હતા. જેમાં 2 બાઇક ઉપર 4 યુવાનો હાથમાં ધારીયા અને કુહાડી સાથે ફુલ સ્પીડે પસાર થતા જોખમી ખેલ ખેલતા નજરે પડ્યા હતા. આ વીડિયો વાયરલ થતા પોલીસે વીડિયોની તપાસ કરતા કુકરવાડા નજીક જનતા એક્સપ્રેસ-વેના કેબલ બ્રીજ પર વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ઈસમો અશોકા બિલ્ડ કોમ કંપનીના 4 સિક્યુરિટી યુવાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે અસફાક માલા, ફેયાઝ હનીફ સિંધી, મુબારક સફી સિંધી અને ઇરસાદ જુસબ સિંધીને વાયરલ વીડિયોમાં વપરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.