ભરૂચમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રેલ્વે ટ્રેકને ફરી ટેસ્ટિંગ કરી દિલ્હી-મુંબઈ અપ લાઈન સવારે 11.30 કલાકે અને ડાઉન લાઈન બપોરે 12.28 કલાકે સલામત ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો.
રવિવારે રાતે 12 કલાકે ભરૂચના 78 વર્ષ જુના સિલ્વર રેલવે બ્રિજના ટ્રેક પર રેલના પાણી ફરી વળતા સલામતી અને જાનમાલની સંભવિત હાનિ ટાળવા માટે રેલવેને રેડ સિગ્નલ આપવાનો નિર્ણય લેવાયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેથી ટ્રેન વ્યવહાર બંધ થતાં હજારો મુસાફરો અટવાયા હતા. સોમવારે સવારે 11.30 કલાકે ભરૂચ સિલ્વર બ્રિજના દિલ્હી - મુંબઈ અપ ટ્રેક પરથી જ્યારે બપોરે 12.28 કલાકે મુંબઈ-દિલ્હી ડાઉન ટ્રેક પરથી પુરના પાણી ઓસર્યા હતા. ત્યારે રેલવે તંત્રે સલામતી માટે પેહલા લાઈટ એન્જીન દોડાવી ટેસ્ટિંગ કર્યું હતું. ત્યાર બાદ 12 કલાકથી ઠપ થયેલ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જોકે સિલ્વર બ્રિજ પરથી સુરક્ષા સલામતીને ધ્યાને રાખી ધીમી ગતિએ ટ્રેનો પસાર કરવામાં આવી રહી છે. રેલવેએ ટ્રેનોમાં અટવાઈ ગયેલા મુસાફરો માટે દરેક સ્ટેશને પૂરતા પ્રમાણમાં પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 કલાકમાં 83 ટ્રેનો પ્રભાવિત થતા 1.24 લાખ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.